પ્રકાશ નાકરણી
એકવાર નિરાંતવા બેસી સમયને ઓળખવાનો પ્રયાસ કરશો તો સમયના મુલની પરખ થાય. એ માટે આપણે આંખો બંધ કરી, મનમાં ચિંતન કરી તેના યથાર્થ સ્વરૂપને જાણી લઈએ તે જરૂરી છે. સમય કોઈ સ્થૂળ પદાર્થ કે વસ્તુ નથી કે તેને આવતો – જતો જોઈ શકાય કે પકડીને બંધક બનાવી શકાય કે આપણા કાબુમાં ન રહે તો ઠમઠોરી શકાય. સમય પાસે આપણો કોઈ હુકમ ચાલતો નથી. આપણી નજર સામેથી જ પસાર થઇ જાય છે તોય એ તરફ આપણું લક્ષ્ય જતું નથી. આપણે નજર અંદાજ કરી નાખીએ છીએ. આપણે સમજવું જોઈએ કે સમય આપણી મૂલ્યવાન મૂડી છે. ભગવાને મફતમાં આપેલી મૂડી છે. આ મૂડીમાં વધારો કે ઘટાડો કરવો તે આપણા હાથની વાત નથી. આ મૂડીનો માત્ર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉપયોગ કેમ કરવો, કેટલો કરવો એ આપણા હાથની વાત છે. આપણા જન્મની સાથે જ સમયની ગતિ શરુ થઇ જાય છે. આ ગતિ આપણા મૃત્યુ સુધી સતત ચાલુ રહે છે. એમ પણ કહેવાય કે આપણા જન્મની સાથે જ ભગવાને બક્ષેલી સમયરૂપી મૂડી વપરાવાનું પણ શરુ થઇ જાય છે. આ મૂડી ખતમ તો આપણે પણ ખતમ! મનુષ્ય જાતિ હોય કે જીવ – જંતુ હોય કે પશુ – પક્ષી હોય અરે, નિર્જીવ વસ્તુ ભલે હોય એ બધાને સમયની અવધિનું બંધન છે. અવધિ પુરી થયે આ બધાની અંતિમ યાત્રા નક્કી જ છે. સમયની અવધિને જ આપણે આવરદાને નામે ઓળખીએ છીએ. આવરદા પુરી થયે સૌએ મરવાનું જ છે. આ સનાતન સત્ય છે. આપણને મળેલી આવરદા કે સમયનો કેવો ઉપયોગ કરવો એ વિશે ગંભીર રીતે વિચારતા નથી કે ચિંતન કરતા નથી. સમયની મૂડીનો પળે પળનો હિસાબ ભગવાનને આપવો પડશે. મૂડી વપરાયા વગરની વ્યર્થ ગઇ તો આ ખોટનો ધંધો છે. સમય કશા પણ ભેદભાવ વગર, નાત – જાત જોયા વગર, ગરીબ કે શાહુકાર, ધર્મી કે વિધર્મી, ચોર કે ડાકુ, રાજનેતા કે ધર્મગુરુ જોયા વગર સમયની સરખી વહેંચણી કરે છે. સરખો ન્યાય કરે છે. સમયના ન્યાયમાં કોઈની ડખલ ચાલતી નથી કે લાગવગ ચાલતી નથી. એકવાર સમયની વહેંચણી થઇ ગઇ પછી તેમાં કોઈ ફેરફાર નહીં થાય. આપણે તો એ વિચારવાનું છે કે ગાંઠે બંધાવેલી સમયરૂપી મૂડીને કેમ વાપરવી છે. આ આપણે જ નિર્ણય કરવાનો છે. સર્જનમાં કે વિસર્જનમાં, વિકાસમાં કે પતનમાં, સત્સંગમાં કે કુસંગમાં, સમાજિક કે અસામાજિક કર્યોમાં આ પ્રત્યેક કાર્યોમાં સમયની મૂડી વપરાશે. તમે બજારમાં કોઈ ખરીદી કરવા નીકળો છો ત્યારે રૂપિયાની ગણતરી કરો છો અને હિસાબ રાખો છો તેમ તમારે પ્રત્યેક કાર્યોમાં સમયનો હિસાબ રાખવાનો છે. તમારાં ખોટાં કાર્યોમાં સમયરૂપી મૂડી બરબાદ ન થઇ જાય એ જોવાનું છે.આપણે વિચારવું જોઈએ કે જયારે આપણે બજારમાં ખરીદી માટે નીકળીએ છીએ ત્યારે અનેકવીધ વસ્તુઓ જોવા મળે છે. આ પ્રત્યેક વસ્તુમાં કોઈને કોઈનો સમય વપરાયેલો છે. સમયની મૂડી વાપર્યા વગર કોઈ ચીજનું સર્જન કે નિર્માણ નથી થઇ શકતું. પ્રત્યેક સર્જનની ભીતરે સમય જોડાયેલો છે. વણપ્રીછ્યા લોકોએ સમયને વાપરી જાણ્યો છે. પોતાના સમય ટાણે સદ્દઉપયોગ કરીને સર્જનો કર્યા છે તે ફાવ્યા છે. સમયને વાપર્યા વગર કોઈ કર્મ શક્ય નથી અને કર્મ કર્યા વગર જીવન શક્ય નથી. કર્મ કેવું કરવું, કેટલું કરવું, ક્યારે અને ક્યાં કરવું કે પછી કર્મ કરવું કે નહીં તે આપણે ખુદે વિચારવાનું છે. જો આપણને મળેલા સમયનો ઉત્તમ ઉપયોગ થશે તો જીવન માણવા જેવું બનશે.સમયનો વિધ્વંસક ઉપયોગ થશે કે બગાડ થશે તો તેનું પરિણામ પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય. સમય આપણને માફ નહીં કરે. જીવનમાં અશાંતિ, અસુખ કે તણાવ હોય તો સમજવું કે સમયનો સદ્દઉપયોગ કર્યો નથી. જીવનમાં ઉન્નતિ, પ્રગતિ અને વિકાસ થાય તો સમજવું કે સમયનો બુદ્ધિ પૂર્વક વપરાશ કર્યો છે.સમયની ગતિ ન્યારી છે. સમય એ વર્તમાનનું બીજું નામ છે. આપણે વર્તમાન સમયનો ઉપયોગ કરી લેવાનો છે. વર્તમાન ખુદ સમય છે. આપણું ભાગ્ય આ વર્તમાન જ ઘડે છે. ભાગ્ય માટે ભવિષ્યનાં ફોફલાં સપનાં જોવાથી કાંઈ જ પ્રાપ્ત નહીં થાય. ભવિષ્યની આશાએ ઝૂમવાનું, અરમાનોનાં મોટામોટા ખડકલા કરવા કે પછી ભવિષ્યના ખોળે ઉછર્યા કરવું એ અંધકારમાં ફાંફા મારાવા જેવું છે. સમય આગોતરી જાણ કરીને નથી આવતો. કાલ કેવી હશે તે ભગવાન સિવાય કોઈ નથી જાણતું. છતાં પણ આપણે ભવિષ્યની ચિંતામાં અને ચિંતામાં વર્તમાનને બરબાદ કરી દઈએ છીએ. આપણે ભવિષ્યને જાણતા નથી, કદી જોયું નથી તોય તેની ફિકર! આપણું જીવન ભવિષ્ય નથી પણ વર્તમાન છે. વર્તમાન સમૃદ્ધ થશે તો આવતા દિવસો વર્તમાન બનીને આપણી પાસે આવશે ત્યારે આપણે સમૃદ્ધ જ હોઈશું. અફસોસ એ વાતનો થાય છે કે સમયની કદર ત્યારે જ સમજાય છે કે જયારે આપણી પાસે ઘણો ઓછો સમય બચ્યો હોય.આપણને મળેલ સમયની મૂડીને ઉત્પાદક શ્રમમાં વાપરવાની છે. શ્રમ આપણું નાણું છે. વર્તમાનની સમૃદ્ધિનો આધાર છે. ભૂતકાળ એ માત્ર સ્મૃતિ છે અને ભવિષ્યકાળ એ માત્ર કલ્પના છે. આ સ્મૃતિ અને કલ્પનાની વચ્ચે વર્તમાન ઉભો છે. આ વર્તમાન જ આપણને મળેલો સમય છે. તમારાં બધા જ સપના કે અરમાનોને ભૂતકાળમાં બદલી નાખવાનું કામ વર્તમાન કરે છે. વર્તમાનનું અસ્તિત્વ મતલબ કે આપણને મળેલા સમયનું ક્ષણિક અસ્તિત્વ. સમયતો પળે પળે ગતિમાન છે. આ ગતિ આપણે ઓછી કે વધુ કરી શકતા નથી. આ ચક્ર આપણી જિંદગીના અંત સુધી ચાલતુ જ રહે છે તેથી આપણે હયાત સમયને જાણીએ, ઓળખીએ અને ઉપયોગ કરી લઈએ એ મહત્ત્વનું છે. વીતેલા સમયને સુધારી શકાતો નથી. દુનિયાનો ફેંસલો જૂઠો હોય શકે છે પણ સમયનો ફેંસલો જૂઠો હોતો નથી. જે લોકો એમ કહે છે કે હજી તો ઘણો સમય બાકી છે તેવા માટે સમય બચતો નથી. સમય હોવા છતાં પોતાના કાર્યોને ટાળે છે તેને કદી સફળતા મળતી નથી. સમય ભલે ન દેખાતો હોય પણ દેખાડી દેવાની તાકાત ધરાવે છે. જિંદગીમાં એટલા જ દિવસો આપણા છે કે જેનો આપણે બરાબર ઉપયોગ કર્યો હોય. ક્યારેય એમ ન બોલો કે મારી પાસે સમય નથી. ભગવાન કોઈ પણ ભેદભાવ વગર બધાને સરખો જ સમય આપે છે. પછી એ મહાન નેતા હોય, મહાત્મા હોય, વૈજ્ઞાનિક કે ઉદ્યોગપતિ હોય. આ બધા મહાન બન્યા એનું રહસ્ય માત્ર એટલું જ છે કે તેમણે સમયનો સદ્દઉપયોગ કરી જાણ્યો છે. ભગવાને ગણતરી કરીને આપણને દિવસો આપ્યા છે. આ ગાંઠે બંધાવેલા દિવસોનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તેની આઝાદી પણ આપી છે. આ આઝાદીને સમજપૂર્વક ભોગવવાની છે, માણવાની છે.આપણે વર્તમાન સમયમાં જીવવાને બદલે ભવિષ્યમાં જીવીએ છીએ. વર્તમાનની ચિંતા કરવાને બદલે ભવિષ્યની વધુ ચિંતા કરીએ છીએ. ભવિષ્યનાં સોનેરી સપના જોઈએ છીએ. તેનો અર્થ એટલો જ થાય કે આપણો વર્તમાન સારો નથી. વર્તમાન દુઃખથી ભરેલો છે. આ જ ભવિષ્ય બીજી ક્ષણે વર્તમાન બનીને આપણી પાસે આવે છે તો શું સપના સિદ્ધ થયાં? નહીં, તેથી આપણે વર્તમાનમાં સુખમાં જીવીએ છીએ? સપના સેવવાથી કાંઈ નહીં વળે તેથી આપણી કોઈ ક્ષણ નક્કામી ન જાય તેવું વિચારીએ. જો સમય બરબાદ થઇ જશે તો પસ્તાવાનો વારો આવશે. સમયતો ચાલ્યો જાય છે પણ તેનો પડછાયો છોડતો જાય છે. કેટલાક માણસો સમયને કાપે છે પણ મહાન માણસો તેનો સદ્દઉપયોગ કરે છે. આપણે સમયનો ભરપૂર ઉપયોગ કરવો હોય તો પ્રથમ વિચારવું પડશે કે જીવનમાં સૌથી મહત્ત્વનું અને ઉપયોગી કામ ક્યું છે? અને પછી તેની પાછળ સમય ખર્ચી નાખો. જો આપણે આપણને મળેલી તકો કે અવસરોને ભોગવ્યા વગર ખોઈ નાખીએ તો પરિણામ સુખદ નહીં હોય. આપણી પાસે હાજરાહજુર ભવિષ્ય પણ નથી અને અતીત પણ નથી. માત્ર વર્તમાનનું અસ્તિત્વ જ આપણી પાસે છે. આપણને મળેલો સમય જ આપણો વર્તમાન છે. એ નથી ભૂત કે નથી ભવિષ્ય. ભવિષ્ય હજી ઉગ્યું જ નથી તો શા માટે તેની પાછળ દોડવું જોઈએ? વર્તમાન તો સદા આપણી સાથે જ છે તેને વધાવીએ. સમય માટે આપણે ઘણી રાહ જોઈ છે. જયારે સમય વર્તમાન બનીને આપણી પાસે આવ્યો હોય ત્યારે તેનું મૂલ્ય નહીં સમજીએ તો જિંદગીમાં ઘણું ગુમાવી દઈશું. સમય બરબાદીનો અર્થ છે કે જિંદગી બરબાદ. સમય જેમ જેમ જાય છે તેમ તેમ જિંદગી કપાતી જાય છે.આવરદા ઘટતી જાય છે. જિંદગીમાંથી કપાયેલા દિવસો લાખ આજીજી કરો તોય પાછા મળવાના નથી. સમયના પ્રવાહને કોઈ કાનૂન લાગુ પડતો નથી. સમય આપણા કહ્યામાં નથી રહેતો અને કોઈની પ્રતીક્ષા પણ નથી કરતો તેથી સારી વાત એ છે કે સમયનો યોગ્ય ઉપયોગ કરીએ. વીતેલો સમય ભુકાળમાં ખોવાય ગયો અને ભવિષ્યકાળતો માત્ર કોરી કલ્પના છે. વર્તમાન સમય જ આપણને મળેલો ઉપહાર છે તેથી કોઈ કામ આજ કરી શકાતું હોય તો કાલ પર ન છોડવું જોઈએ.આપણને વહેલું મોડું થાય પણ સમયને નથી થતું. સમય માટે પ્રતીક્ષા કરવાની જરૂર નથી કારણ કે સમય આપણી પ્રતીક્ષા કરતો નથી. જે કોઈ સમયને નથી જાણતો તે ખુદ પોતાને પણ નથી જાણતો. જેને સમયના ઉપયોગની કલા આવડી તે જ સફળતનાં શીખરો સર કરી શકશે. સમયની ગતિ અદ્ભૂત છે, તે નિરંતર ગતિશીલ જ રહે છે.માણસને પોતાએ પ્રાપ્ત કરેલું ધન જયારે ગુમાવે છે ત્યારે ઘણું દુઃખ થાય છે,પણ સમય ગુમાવી દે છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે? ગુમાવેલું ધન કદાચ ફરી પ્રાપ્ત કરી શકાશે પણ સમય ગયો તો ગયો.પાછળ પસ્તાવો છોડતો જશે જે જિંદગીભર આંખના કણાની જેમ ખટકતો રહેશે. મરેલો માણસ ભૂતકાળ બની ગયો તેવી જ રીતે સમય ભૂતકાળમાં ઢબુરાઈ ગયો. ભૂતકાળ વર્તમાનકાળ બનીને ફરી આપણી પાસે ક્યારેય નહીં આવે. વર્તમાન એ જ આપણી સંપત્તિ છે.આપણુ મોંધામુલું ઘન છે. નદીનો પ્રવાહ જે રીતે પોતાની દિશામાં વહ્યા કરે છે, પોતાનો માર્ગ ક્યારેય બદલાતો નથી તેવું જ સમયરૂપી નદીના પ્રવાહનું છે. આપણે તો આ સમયના વહેતા પ્રવાહનું આચમન કરી જીવનને ઉન્નત બનાવવાનું છે. સમય અધ્યાપક નથી છતાં ઘણું શીખવી જાય છે. સમય હંમેશા આપણી આગળ ચાલે છે. સમય જયારે આપણને સજા ફરમાવે છે ત્યારે કોઈ ન્યાયાધીશ કે વકીલ હાજર નથી હોતો. આપણી દલીલ કે બચાવને તે સાંભળતો નથી. કઠીન સમયમાં સમજદાર વ્યક્તિ હલ શોધે છે જયારે કાયર વ્યક્તિ બહાના શોધે છે. સમય આપણો વફાદાર સાથી છે. તેની વફાદારીનો ઉપયોગ કરી જાણીએ. સમયને બીજા પર છોડી શકાતો નથી. જે કરવાનું છે તે પોતે જ કરવાનું છે. સમયને ઓળખીએ, સમયની સાથે વહેતા રહીએ, સજાગ રહીએ, સતત પ્રવૃત રહીએ અને વર્તમાનને ઉજ્જવળ બનાવીએ.ઉજ્જવળ વર્તમાનના અજવાળા જ જિંદગીના આવનાર દિવસોમાં અજવાળા પાથરશે.- પ્રકાશ નાકરાણી